Followers

કેવી મીઠી સવાર..

કેવી મીઠી મીઠી સવાર ભીની ભીની મોહક સુંદર આકર્ષતી જાણે મોહિની.

આપોઆપ જોડાય હાથ સન્માનથી વધાવું જાણે મારી વહાલી સંગીની.

ફેલાવી હાથ માંગુ ભીખ પ્રણયની શરારત કરતી આવે મસ્તી ભર્યું સ્મિત કરતી.

નખશીખ પવિત્ર ઈશ્વરની માનીતી આવી ફેલાવતી સુવાસ આકર્ષક ફૂલોની.

મખમલી કિરણ સૂર્યનાં લાવી સાથ તેજથી દિવસ ઝળહળ સજાવતી.

મીઠાં પવન સાથે હરતી ફરતી ઝૂમતી મારી મીઠી સવાર મારું "દિલ" બહેલાવતી.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

મુલાકાત..


 થોડી પળની મુલાકાત બની જીવનભરની મીઠી યાદની મારી પુંજી..
કેમ મળ્યાં, કોણે મેળવ્યાં, નથી જવાબ મળ્યાં પછી અધૂરી રહી તૃષા..
માઁ મહાદેવ કરો કૃપા, કરાવો મિલન તમે, પછી શા કાજે આટલી પીડા?..
સુંદર મોહક મુખારવિંદ તારું ભુલાતું નથી ટીસ ઉઠે હૃદયે જોવા તને અનોખી..
કાળજું કઠણ હશે તમારું સમજાય મને, શિકાર હું, શું કરું બોલ ઉપાય?..
સાક્ષી ૐ શ્રી પંચતત્વ સરકાર નહીં છૂટે બાંધી નાડ એણે, "દિલે" કર્યો સ્વીકાર..

મૌનમાં પ્રહાર..

મૌનમાં શબ્દ કરતાં વધું સ્પષ્ટ, સાંધ્ર અને સૂક્ષ્મમાં સંપૂર્ણ જવાબ મળી જાય છે. મૌનમાં તપ, સહનશિલતાનું એક અંતર છે જે અંતરમન કળવા ના દે.
સ્વીકાર્ય છે.. સ્વીકાર્ય છે..સર્વ સંપૂર્ણ સ્વીકાર્ય છે... માઁ.. માઁબાબા.. તમારી ઈચ્છા.. નિર્ણય.. આશીર્વાદ.. તમે કરો નક્કી એજ મારું સૌભાગ્ય મારું કલ્યાણ.. તમે સૂક્ષ્મ છતાં સાક્ષાત.. ગુપ્ત છતાં પ્રગટ.. અદ્રશ્ય છતાં આંખોમાં દ્રષ્યમાન.. ખૂબ ખૂબ આભાર માઁ.. માઁ.. માઁ...
🌹🙏🙏🙏🌹

મંથન..

ખૂબ કર્યું મંથન મેં કમભાગ્યે અમૃત નહીં ઝેર જ મળ્યું..
સફળતાંને અસફળ કહેવાંનું કારણ મને મળી ગયું..
સર્વને ફરિયાદ નારાજગી મારાંથી બધું સમજાઈ ગયું..
કોઈની લીટી કદી નાની નથી કરી મારી કરી મોટી સાચું કહું..
પગલે પગલે સંઘર્ષ પછી પણ નથી જસ બોલો હું શું કરું?..
ક્યાસ કાઢે હિંમતની મારી કેટલાં ચાસ હૃદયમાં કોઈ જુવે ખરું?..
સહુ સહુનાં સ્વાર્થમાં દર્શાવી પ્રેમ પણ ઘણાં ઉણા કોને કહું?..
નાજુક કુણું હૃદય કાયમ ચિરાયું ના કોઈ સમજ્યું ના જોયું..
પગ મારાં ધરતી પર હવામાં ઉડવા મને કદી ના આવડ્યું..
દિલ ખોલી કરી વાત તોરણ આંસુના પરોવી માઁ ને ચઢાવું..

દીવાલો હૃદયની..

દીવાલો હૃદયની સંવેદનાં પ્રેમ સાચવવા લોકર બની જાડી થઇ ગઈ..
રૂંધાય જીવ મારો ભીંસાય છાતી કેમ લેવો શ્વાશ મને સમજાય નહીં..
લોહી થઇ ગયું મીઠું ઘણું ચિકિત્સક એને રોગ કહી નિવારે નહીં..
સ્વીકારી લીધું બધું હવે જીવવા બાકીનું શેષ જીવન છળ કહેવાય નહીં ?..
ના થાય સર્જરી ના ઔષધ ના આરામ લટકતી તલવાર કહેવી?..
અંગત પારકા સહુ ખુદનું જીવન મૌજથી જીવો કોઈ ફરિયાદ નથી..
સર્જન કરું કે લખું શબ્દ સાથે ચાલવું તનને જરૂરી કેમ સમજુ નહીં?..
અંધારે જન્મ્યો બાળપણથી હૃદયનો ભાર સહયો પડછાયો પણ સાથ નહીં..
દિલની બીમારી "દિલ" જાણે સમજે લખ્યું પ્રારબ્ધ ભોગવી જતો રહીશ..

સંવેદનાંનો સંકેત..

સંકેતની સંવેદનાએ "દિલ" સ્વીકારવા જે તૈયાર થયું..
હતી રચનારની ચોક્કસ ઈચ્છા તોજ એ શક્ય બન્યું..
હતો કોઈ ઈશારો ગેબી અવકાશમાં શબ્દ બોલાયો..
સ્પર્શયો મને થયો એહસાસ અચાનક કેમ પ્રેમ સ્ફૂર્યો..
પંચતત્વની ચાલ મને સમજાય પહેલાં "દિલ" થયું બેહાલ..
ના વટાવી સીમા કોઈ ના ગુનો ના ભૂલ છતાં કેમ અસહાય?..
ના મળ્યો જવાબ હજી બસ લાગણીઓનો કર્યો ઉપહાસ..
નથી કશું માંગ્યું કે જોઈતું મારે, આતો હતો પ્રેમનો એકરાર..
શ્રુષ્ટિનાં હશે નિયમો ઘણાં સંસારમાં, બધાં વણાઈ ચુક્યા..
મારું "દિલ" તડપતું પ્રેમમાં અમાપ, પ્રયત્ન પૂરાં થઇ ચુક્યા..
🌹🙏🌹

પ્રેમમાં સમર્પણ.. પછી..?

કોઈને અપાર પ્રેમ કરી લેવાથી.. શ્રદ્ધા આસ્થાની અખંડ જ્યોત દિલમાં જગાવી તમે.. છતાં.. આપણે એમનાં પર હક નથી જમાવી શકતાં..
જે પ્રારબ્ધમાં લખ્યું હોય એજ સામે આવે છે આપણાં કોઈપણ ભોગવટા માટે કોઈને નિમિત્ત નથી બનાવી શકતાં..
મારાં.. મારાં.. કરી કહેવાથી આપણાં કોઈ નથી થતાં.. જેવો સામેનાને "રસ" પૂરો થાય માટી "પથ્થર" થઇ જાય..
અત્યંત ચાહું હું.. સમર્પિત થઉં મારું માનવા લાગું પછી ઈશ્વર કે માનવ જે રૂપ બતાવે ભલે અનર્થ કે સમર્થ થાય..
સતિ માટે શિવ.. સીતા માટે રામ.. રાધા માટે કૃષ્ણ રડ્યા છે પીડા વહોરી પ્રારબ્ધ બદલી ના શક્યા.
બસ માંગુ હું પાત્રતા સહુનાં દિલ જીતી શકું પ્રેમલક્ષણાં ભક્તિ થકી પંચતત્વનો સાક્ષાત્કાર કરી શકું.
જ્ઞાની નથી હું.. નથી નસીબદાર.. હું કોણ કોઈને કશું કહેનાર? જે છું જેવો છું એજ દેખા દઉં.. શ્રેષ્ઠ થવાં જરૂર પ્રયત્ન કરૂં..
કોઈ પાસે કંઈ માંગ્યું નથી જોઈતું નથી.. છતાં હું માંગણ..ભૂખ માત્ર પ્રેમની દિલમાં ઈશ્વર કે માનવ એની માંગણી કરૂં.

દુનિયા જોઈ જાણી..

દુનિયા જોઈ જાણી ઘણી પણ હજી સાચી જોવા જાણવાની બાકી.
જીંદગી જીવીને માણી ઘણી પણ લાગે હજી જીવવા માણવાની બાકી.
ભૌતિકસુખ માણ્યું ઘણું પણ નિજાનંદમાં જીવી કુદરત જાણવી બાકી.
માટીમાં રમ્યાં રહ્યાં જીવ્યાં ઘણાં પણ હજી રાખમાં ભળવું રહ્યું બાકી.
ભણ્યા શીખ્યા ઘણું પણ પંચતત્ત્વને ઉપાસી શ્રુષ્ટિનાં રહસ્ય જાણવા બાકી.
ના કોઈ ભૂખ રહી મૌજમાં જીવીએ પણ "દિલ"નો ખાલીપો ભરવો લાગે બાકી.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

ઉત્તરાયણ.. મકરસંક્રાંતિ..

સૂર્ય આજ દક્ષિણથી ઉત્તર તરફ પ્રયાણ કરે કહે *ઉત્તરાયણ.* 
આજે પાવન પર્વ ઉજવીયે ચઢાવી પતંગ નભમાં *ઉત્તરાયણ.* 

પવન સાથે પતંગ કરશે હરીફાઈ ખૂંદવા આભ આજ *ઉત્તરાયણ.* 
કપાશે પેચ કોઈના.. કોઈના થશે મેચ એવી આજ *ઉત્તરાયણ.* 

અગાશી ઝરૂખા ધાબા પર ઉઠશે શોરબકોર આજ *ઉત્તરાયણ.* 
તલસાંકળી બોર ઊંધીયા જલેબીની ઉજાણી આજ *ઉત્તરાયણ.* 

બધે શોર મસ્તી ગીતો ક્યાંક એકાંત એકલતા આજ *ઉત્તરાયણ.* 
સહુ મકરસંક્રાંતિની મોજમાં પકડ્યો કાપ્યોની રંગત આજ *ઉત્તરાયણ.* 

કેસરી આથમતી મીઠી ઠંડી સાંજ તુકકલની બારાત આજ *ઉત્તરાયણ.* 
ઝરૂખા અગાશીથી થતી ઇશારોમાં વાત ભુલાશે યાદ આજ *ઉત્તરાયણ.* 

ના પડે પવનની ખોટ પતંગ ચઢે ગગનની કરે સેર આજ *ઉત્તરાયણ.* 
હેય..કાપ્યો જ છે... એવી ગૂંજ ખુશ થતાં લોક આજ *ઉત્તરાયણ.* 

બાંણશૈયા પર સૂતા ભીષ્મપિતામહ લઈ દુઃખ અન્યાયનું આવી *ઉત્તરાયણ.* 
કેવો થયેલો કાળો કેર દિલ યાદ કરે છતાં થયો મોક્ષ આજ *ઉત્તરાયણ.* 

કોની ફીરકી પકડી કોની ઉતરી કહેશે લોક કાલે આજ *ઉત્તરાયણ.* 
આશાની દોરે કોઈ જોઈ રહ્યો ગગન અશ્રુભરી આંખે આજ *ઉત્તરાયણ.* 

આજથી કમુરતા સમાપ્ત પ્રસંગ સારા લેવાય આજ *ઉત્તરાયણ.* 
કપાઈ પતંગ ક્યાંક દૂર જાય ક્ષિતિજમાં ના કોઈ ખબર ફિકર આજ *ઉત્તરાયણ* 

શુભ શરૂઆતનો દિવસ મકરસંક્રાંતિનો સહુને ફળે એવી શુભ *ઉત્તરાયણ.*
આપું શુભકામના સહુને "દિલ"થી કરો ખૂબ મૌજ આજ *ઉત્તરાયણ.*
દક્ષેશ ઇનામદાર."દિલ"..

દેખાડો.. વાસ્તવિકતાનો ધજાગરો..

દેખાડો કરવો.. વાસ્તવિકતાનો ધજાગરો પણ.. ક્યાં સુધી ચાલે ખોટાડો.
જે સંસ્કાર જીવમાં નથી એ ક્યાંથી કાઢો.. બતાવો.. બધો દેખાડાનો ધુમાડો.
કાળનો પ્રહાર.. લોહીનાં ગુણની અસર.. સમજીને પણ બધે ખોટાનો સ્વીકાર.
જે દેખાડે બધું જ ભ્રમ સચ્ચાઈનો રણકાર બોદો સમજાવવાનો પ્રયત્ન પડે ખોટો.
કુદરતે જેને નકાર્યો એવો સિતારો ચમકવા જોર કરે
કોણ સમજાવે તું જ ખોટો.
હીરા બજારમાં ખોટાની બોલબોલા.. સાચો હીરો ચમકવા રોજ "દિલ"થી જાત ઘસાવતો.

વગર વિચારે.. નીકળી પડ્યો છું આજ..

વગર વિચારે નીકળી પડ્યો છું આજ બિન્દાસ જાણી અજાણી વાટે.
પથ અખૂટ લાંબો કોણ જાણે ક્યાં પહોંચીશ એ ઉપરવાળો જાણે.
કરી લીધી નોંધ સમયે.. કાળની રમત જોઉં ફળ પાકે ત્યારે ચઢે સ્વાદે.
બેફિકરાં મનને ના મઁઝીલ જોઈએ.. ના સાથ કોઈનો એ હવે કોને ગાંઠે?
સમજીને લક્ષ્ય વિનાની સફર કરી રહ્યો મારી ખુદની ઢંગી બેઢંગી ચાલે.
પાછળ પાછળ પડછા્યો આવે પછી અદ્રશ્ય થવાં રાતની બીક લાગે.
જોઈતું હોય તો કશું ખોવાનું હોય અહીં કોણ કશું કંઈ માંગે? 
ધૂળ ચોંટી પગમાં સંપત્તિ મારી એટલી ઐયાંશી કરી લઉં "દિલ" બધું જાણે.

સરી ધરતી પગથી...

સરી ધરતી પગથી ક્યાંથી ક્યાં ક્યાં લઇ ગઈ..
સાંભળી ફરિયાદ આકરી દૂરની દૂરી કરી ગઈ..

બેફામ બેહિસાબ પ્રેમ મારો જાણી સમજી નહીં..
નાજુક નમણું કાળજું કેમ ખબર રાખે નહીં..

આંખથી ચહેરો ખસે નહીં વહે આંસુ એ સરકે નહીં..
માંગુ સજા કાયમની તારાં બંધનની કેમ આપે નહીં..

વલોવાય હૈયું ના રહેવાય સહેવાય ઉપાય કોઈ નહીં..
કહેવું જે કહેવાય નહીં "દિલ"નું કરગરવું કોઈને સમજાય નહીં..
દક્ષેશ ઇનામદાર."દિલ"..

અનોખી સફર..અમાવાસ્યાંથી પૂર્ણિમા સુધી

ll ૐ ll
નવલકથા …અનોખી સફર..અમાવાસ્યાંથી પૂર્ણિમા સુધી..
પ્રસ્તાવના….
અમાવાસ્યાથી પૂર્ણિમા સુધીની એક અનોખી સફર...આ નવલકથામાંકરીશું. કાળની ગતિ સમયના
સ્થિ તિ સંજોગો માનવની માનસિ કતા સ્વભાવ ઈચ્છાઓ કામનાઓ ઈર્ષા , અપમાન,પ્રેમ,લાગણી, સુરક્ષા,
સલામતી,સ્વમાન બધાથી ઘેરાયેલો માનવ ક્યારેક અંધારાના આંચળામાંથી કુદરતની કૃપા કેખુદના યત્ન
પ્રયાસથી બહાર નીકળે છે અથવા કોઈ નિમિત્ત બને છે..
આ નવલકથામાં નાયક નાયિકા વિદેશની ભૂમિમાં એકમેકના પરિચયમાં આવ્યા બાદ આકર્ષાય છે
પ્રેમમાં પડે છે. નાયક પોતાની ઈચ્છાઓ આકાંક્ષાઓ અને મનોરથોને સાકાર કરવા પ્રયત્ન કરે છે…મહેનત કરે
છે.પરિણયમાં રંગાયા પછી નાયિકા પાસે અપેક્ષા રાખે છે કે એ હકારાત્મક બધામાં સાથ આપે.એક નવી ઊંચાઈ
આંબવા પગલામાં પગલાં સમાવે.
“આકાંક્ષા કે મનોરથો” એ પોતાનું સર્જન ..એક મહત્વકાંક્ષા હોય છે..પરંતુ“અપેક્ષા” બીજાઓથી હોય છે.
જ્યાં બીજાઓ ઉપર આધારની વાત આવે ત્યારે અપેક્ષામાં આશા,આગ્રહ,નિરાશા,ઈર્ષા ,દગો,આઘાત, વિશ્વાસઘાત ,પ્રેમ, વિવાદ,દલીલ,વિરહ, પીડા, વગેરે તત્વો અસરકર્તા બને છે જે આ નવલકથામાં પરોવેલા..વણેલા..છે.
નાયક પોતાની સબળ,પ્રબળ આકાંક્ષાઓ સાથે મનોરથો સાથે જીવનમાં આગળ વધવા માંગે છે…એવીજ રીતે
નાયિકાની પણ ઈચ્છાઓ મહત્વકાંક્ષા છે. નાયક કુદરત પ્રેમી..ગીત સંગીત પ્રેમી છે..પ્રેમ માટે પાગલ છે એણે પ્રેમને ઈશ્વરનો દરજ્જો આપ્યો છે એના માટે પ્રેમજ સર્વસ્વ છે એ પ્રેમની દેવીને સમર્પિત છે જે એની પ્રિયતમા છે. જ્યાં જ્યાં જીવનસંગીની સાથે પગલાં પાડ્યાં છે ત્યાં સમજણ સાથે ગેરસમજ ક્યાંક વિચારભેદ થાય છે..અપેક્ષાઘાત થાય છે.
વિવાદ..દલીલ..વિરહ પીડા અસહ્ય થાય છે રહેવાય નહીં સહેવાય નહીં..કહેવાય નહીં એવી સ્થિતિ સર્જાય છે. 
વિયોગ સર્જાય છે..હા..પસ્તાવો..વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે…પ્રેમી તેમાં ડૂબકી દઈને પાછો પાક્કો પ્રિયતમ થાય
છે..બંનેની પુનઃ મનોસ્થિતિ સારી થાય છે લાગણીભીના થાય છે…પરતો ખુલે છે પુર્ન મિલન થાય છે..પણ કેવી
રીતે? શા માટે? ક્યાં સંજોગોમાં? કઈ વિચારધારા ? આકાંક્ષા અપેક્ષા બન્નેની એકરૂપ થાય છે..આ મંથનના
અમૃત સ્વરૂપે આ અનોખી સફર નામની નવલકથાનું નિર્માણ થાય છે જેમાં પ્રેમના પાઠ…પરાકાષ્ઠ। જેનો રોબ
ગુરુર માદકતા કોમળતા પવિત્રતા પાત્રતા અને સહજતા માણીએ …
અનોખી સફર…અમાવાસ્યાથી પૂર્ણિમા સુધી..
દક્ષેશ ઇનામદાર

ગુરુમાઁબાબા મનસા જરાતકારું વનદૈવ્યે નમઃ

આજનાં પવિત્ર પાવક નાગપંચમીનાં શુભ દિવસની શુભકામના. 🌹🙏🌹
શ્રુષ્ટિનાં ગર્ભગોળાને પોતાનાં શિર પર સ્થિર રાખનાર શેષનારાયણ તથા માઁ મનસાને કોટી કોટી નમસ્કાર. 🙏🙏🙏 દેવાધિદેવ મહાદેવનાં ગળામાં શોભાયમાન ભગવાન વાસુકીને નમસ્કાર. શ્રુષ્ટિનાં રચયિતા ભગવાન વિષ્ણુ જે સુખશૈયા પર સુતેલા છે તેવાં શેષનારાયણ સહુને સુખ શાંતિ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય આપે એવી શુભેચ્છા. 🌹🙏🙏🙏🙏🌹
દક્ષેશ ઇનામદાર. "દિલ"..

મારું ભારત મને વ્હાલું ઘણું અદકું છે મારું...

મારું ભારત મને વ્હાલું ઘણું અદકું છે મારું...

સુમસામ સિડનીની શેરીઓમાં નિ:શબ્દ સૂનકાર વ્યાપી રહ્યો.
સંતાકૂકડી રમતાં વાદળો ને ઠંડક આપવા સૂર્ય છુપાઈ રહ્યો.
મારું ભારત મને વ્હાલું ઘણું અદકું છે મારું..

ક્યારેક સંભળાતા સુસવાટા પવનનાં તો ઠંડા બર્ફીલા સહી રહ્યો.
હાય હેલો કાને પડતાં ચમકીને પરદેશની ધરતી પર છું હું જાણી રહ્યો.
મારું ભારત મને વાહલું ઘણું અદકું છે મારું..

બહારથી દેખાતાં રૂપાળાં ઘર, ઘરવાળા આખો દિવસ અંદર ગોંધાઈ રહે જે જોઈ રહ્યો.
મોંઘીદાટ ગાડીઓને ગેરેજમાંથી કાઢતાં મુકતાં અચરજથી સમજી રહ્યો.
મારું ભારત મને વ્હાલું ઘણું અદકું છે મારું..

રૂપકડાં સ્વચ્છ રોડ રસ્તા આંખે ઉડી વળગે છતાં નિસ્તેજ અનુભવી રહ્યો.
ભારતની ધરતી આટલી સ્વચ્છ નથી છતાં જીવંત ઘણી એવું સમજી રહ્યો.
મારું ભારત મને વ્હાલું ઘણું અદકું છે મારું..

કેવું જીવન જીવતાં હશે આ ગોરીયા કાળીયા મારાં દેશ જેવું અહીં હોતું હશે?
મનમરજીની નંબર પ્લેટ વાળાં બળજબરીથી જીવતાં લાગે "દિલ" શંકા કરી રહ્યો.
મારું ભારત મને વ્હાલું ઘણું અદકું છે મારું..
દક્ષેશ ઇનામદાર. "દિલ"..

*"હજી તો હું નાનો છું.."*

*"હજી તો હું નાનો છું.."* 

હજી તો હું નાનો છું.. પણ..નાનો છું હજી તો હું..

ગોઠણ ભેર ચાલતો નાનપણમાં હું..,, હવે ગોઠણ સાચવી સંભાળી ચાલુ છું .. 
પણ..હજી તો હું નાનો છું....

ચહેરો ચમકતો.. બાળ હતો,, હવે ચમકાવી ચહેરો ઠાઠથી ફરું છું. ચાક ચહેરાનાં છુપાવતો રહું ચાલાકી કરું છું હું.. 
પણ..હજી તો હું નાનો છું.....

બહું ભણ્યો પ્રગતિ કેરે,, મારી મીઠી જુવાનીમાં.. હવે દીકરાની નિશાળમાં અસ્તાંચળે નવું નવું ભણું છું..
પણ.. હજી તો હું નાનો છું...

બાળ છું મારી "માઁ" નો,, હજી એનો ખોળો ખૂદું છું.. યાદ આવતાં જન્મ આપનારીની આંખથી આંસુ ઝારું છું... પણ..હજી તો હું નાનો છું....

તરવરાટ અશ્વ જેવો,, ખુમારીનો હું એક્કો છું.. જોજો હજી પથ્થરને પીગળાવું એવો પ્રેમયોધ્ધો છું.. 
પણ..હજી તો હું નાનો છું...

પડકાર જીવનનાં પાર કર્યા,, હજી સંઘર્ષ માટે તૈયાર છું.. મને કાચો ના સમજતા હું હજી બાણ ચઢાવું છું. 
પણ..હજી તો હું નાનો છું..
.
ઈશ્વરની રચેલી આ અદભૂત શ્રુષ્ટિનો,, એક સુંદર જીવ છું. કોમળ "દિલ" ધરાવતો એક સ્ફૂર્તિલો નવજવાન છું. 
પણ..હજી તો હું નાનો છું...

બ્રહ્મને પામવા કોઈ ભ્રમમાં નથી હું..,, જાગ્રત કવિ લેખક સાહિત્યનો પ્રામાણિક સેવક છું..
પણ..હજી તો હું નાનો છું..નાનો છું હજી તો હું..
દક્ષેશ ઇનામદાર. "દિલ"..

ડુંગરાની ટોચથી

સહ્યાંદ્રિનાં ઊંચા ડુંગરા પર્વત પર વહેતી હવા કહી જાય મને કાનમાં..
લીલાં લીલાં વૃક્ષોની હારમાળા વાયરા વહેતાં ઠંડા મીઠાં કેવાં જંગલનાં..

પાંદડે પાંદડે વૃક્ષોનાં ધબકાર ધબકે મારી માઁ નાં વધામણાં આગમનનાં..
ડુંગરાની ટોચથી પડતાં ધોધ બની ઝરણાં જળનાં સર્વત્ર રળીયામણાં..

હૈયું ઠાલવી ઠાલવી કરું હું પોકાર માઁ માઁ સૂના આ ડુંગરાનાં પ્રદેશમાં..
ડુંગરાની કેડીએ કેડીએ પગલાં પડે જવાબ દઇ દે પગ હવે કઠિન પથમાં..

આંખો તરસે તને જોવા માઁ તારી હોવાની આહટ સંભળાય મને કાનમાં..
હાથ ફેલાવી આવકારે બાળ તારો સમાવી લે તું મને તારી બાહોમાં માઁ..

તત્વ તત્વનું સત્વ સમજાયું આજ તારાં દર્શને જરાતકારું મનસા માઁ.
ખૂધ્યાં ડુંગરા તારી ચાહતમાં માઁ ગઠરિયા ખુલી "દિલ"ની તારાં પ્રેમમાં..
દક્ષેશ ઇનામદાર."દિલ"..

સ્પંદન ભીંજાયા વરસ્યું ગગન..

*સ્પંદન ભીંજાયા વરસ્યું ગગન..* 

ગયો હતો ભૂલી એ સ્પંદનો ભીના ભીના સુકાઈ ગયેલાં મારી આંખનાં ખૂંણાં.

પડ્યું પગલું ભીની ધરતી પર એકાએક જાગી ઉઠ્યાં મરડી આળસ સ્પંદન મીઠાં.

મહેંક માટીની પ્રસરી ગઈ આખાં તનમાં દોડી પડ્યાં થીજી ગયેલાં લોહીનાં ઘડાં.

વરસી રહ્યો મેહુલો આભથી ઝરમર ઝરમર ભીંજાવી રહ્યો ધરાને પ્રેમથી પાગલ.

ગગનથી વરસી રહ્યું અમી એવું કાળજે ઘૂંટાઈ રહ્યું વિરહની પીડા છલકાતું દર્દ.

પાંદડે પાંદડે જળબિંદુ ચમકતાં મોહરી ઉઠ્યાં કેવાં વૃક્ષો ફૂલોથી મહેંકતા.

હે શ્રુષ્ટિનિયંતા કર ડોકિયું અવકાશથી આ "દિલ" તડપે કરુણામય કર કૃપા.
દક્ષેશ ઇનામદાર. "દિલ"..

સબસે ઊંચી પ્રેમ સગાઈ

સબસે ઊંચી પ્રેમ સગાઈ..

પ્રેમ સાવ નાનકડો માત્ર અઢી અક્ષરનો શબ્દ..

પ્રેમનાં આ અઢી અક્ષરમાં પ્રેમ કરનાર બે પાત્ર.. એમાં અડધા અક્ષરની માત્રામાં આખા બ્રહ્માંડની ઈશ્વરીય શક્તિનાં આશીર્વાદ સમાયાં..
ના વાસના ના શારીરિક પ્રેમ ના અપેક્ષા ના ફરિયાદ..

એક નૈસર્ગીક પરાશક્તિ જે પ્રેમ થકી એક પવિત્ર યુગ્મ ઓરામાં પરિવર્તિત થાય.

આરાધ્યા પરાશક્તિ માઁ રાધાનું ચરિત્ર પ્રતિત થાય. કૃષ્ણનાં વિયોગમાં યોગશક્તિએ યુગ વિતાવ્યા પણ વિરહની પીડામાં વધું પ્રેમશક્તિ પ્રજવલિત કરી.. એ સહનશક્તિએ નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી..
ભોગમાં જ તૃપ્તિ છે??? 

માઁ સીતા રામ વિના અશોકવાટિકામાં રહી યોગશક્તિ મેળવી.. વિરહનાં તાપમાં યોગમાયા બન્યા એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું.
પ્રેમની શું વ્યાખ્યા કરવી..? જેટલું પુનિત પવિત્ર ઝરણું "દિલ"માંથી વહે એટલું મજબૂત થાય. એનાં કોઈ પુરાવા સાબિતી ના હોય એ સ્વયંભુ પ્રતિત થાય જ.

સંક્ષિપ્તમાં ઘણું કહી જાય.. વરસી જાય.. અભિભુત થાય.. એનું નામ પ્રેમ..
દક્ષેશ ઇનામદાર."દિલ"..

આવી પવિત્ર પાત્રતા ક્યાં શોધવી???

🌹🙏ૐ શ્રી ગુરુમાઁબાબા મનસા જરાત્કારું વનદૈવ્યે નમઃ 🙏🌹

પ્રણયમાં વિરહની પીડા.. પ્રિયજનની ચિંતા.. મિલનની પ્યાસ..
પ્રેમ થકી મિલનનાં આનંદની અનુભૂતિ સ્વર્ગીય ને આલ્હાદક હોય છે. પરંતુ....

વિરહમાં પીડાની અનુભૂતિ પ્રેમને સર્વોચ્ચ સ્થાન આપે છે. ઈશ્વર પૃથ્વી પર મનુષ્ય રૂપે અવતરણ કરે.. જન્મ લે તો.. એમની લીલામાં પ્રેમ, વિરહ અને મિલનની કેવી અદ્ભૂત અનુભૂતિ કરાવે છે..

ભગવાન શ્રીરામ સોનેરી મૃગની પાછળ જાય છે સીતાજી લક્ષ્મણને શ્રીરામજીની ભાળ લેવાં મોકલે છે..
ત્યાં રામજી અને સીતાજી માટે વિરહની ઘડીનું નિર્માણ થાય છે.. રાવણ સીતાજીનું અપહરણ કરી લંકા પ્રયાણ કરે છે...
જયારે રામચંદ્રજી તથા લક્ષ્મણજીને ખ્યાલ આવે છે કે સીતાજી કુટિરમાં નથી પછી એમની શોધ આરંભે છે..
પ્રભુ શ્રીરામ ઈશ્વરનાં અવતાર છે પણ મનુષ્યદેહ ધારણ કરેલ છે.. જીવનની વાસ્તવિકતાઓથી તેઓ પરે નથી.. એમનો સીતાજી માટેનો અપાર પ્રેમ.. વિરહની પીડા છતી થાય છે...
શ્રીરામજી સીતાજીની શોધમાં વન વન ફરે છે.. હે સીતે... હે સીતે બોલતા બોલતા શ્રુષ્ટિમાં સર્વને પૂછતાં પૂછતાં રખડી રહ્યાં છે.. વિરહની પીડાની આગમાં સળગી રહ્યાં છે.. આંખોમાંથી અશ્રુધારા વહી રહી છે. જે વિરહની સ્થિતિનું નિર્માણ થયું છે એ અસહ્ય બની છે તેઓ જંગલમાં પશુ પંખી બધાને પૂછી રહ્યાં છે તમે મારી સીતાને જોઈ? એ રાજકુંવરી ની ભાળ છે? વૃક્ષે વૃક્ષે ટહેલ નાંખી શોધી રહ્યાં છે વૃક્ષોનાં થડને વળગી આંસુ સારી પૂછે છે તમે મારી વૈદેહીને જોઈ? હે સીતે તમે ક્યાં છો? ધરતી ગળી ગઈ કે ગગનમાં અદ્રશ્ય થયાં હે સીતે.. હે સીતે કહેતાં વિલાપ કરી રહ્યાં છે..એમનાં કાળજાથી સીતાજીના વિરહમાં ચીખ નીકળી રહી હતી...
ઈશ્વર પણ પ્રેમવવિરહની પીડામાંથી બાકાત નથી વિરહનો વિષાદ એમને પણ ખાઈ રહ્યો છે...

પ્રેમ વિરહની શું વાત કરવી? જેમ પ્રેમની અનુભૂતિ  અવૅરણીય છે એમ વિરહની આગ અત્યંત દઝાડનારી છે... શું વર્ણન કરવું?....
 
ભગવાન શિવજી માઁ સતી નાં વિયોગમાં એમનું મૃત શરીર હાથોમાં ઉંચકી બાહોમાં સમાવી આખાં બ્રહ્માંડમાં ફર્યા.. સતીના વિરહમાં આંખોમાંથી પીડાના અશ્રુ વહ્યાં..વિયોગ સહન ના કરી શક્યા ત્યારે આખું બ્રહ્માંડ માથે લીધું હતું. બધાં દેવો સાથે શ્રુષ્ટિ ડરી ગઈ હતી. વિરહની આગ ભભુકે ત્યારે કારણો ભસ્મ થવાં સર્જાય છે અને અત્યંત પીડાકરક વિરહ પછી... અણમોલ મિલનની ઘડી પણ અચૂક આવે છે..
પ્રણય ઈશ્વરનું સ્વરૂપ છે નાં એ મેલું થાય ના ભ્રષ્ટ એ પવિત્ર પ્રેમ ઝરણું સ્વર્ગથી ઉતરી આવ્યું છે. એમાં જે નાહ્ય ઓતપ્રોત થાય એ ઈશ્વરીય સ્વર્ગીય અનુભૂતિ કરે એમાં શંશય નથી.
વિરહ પ્રેમમાં પાત્રતા અને પવિત્રતા વધારે છે કારણકે એ પ્રણ્યાગ્નિમાં બળી સળગી પીડા સહી પાવન થાય છે.. ના માયા ના વાસના કે કોઈ ઈર્ષા સ્પર્શી શકે છે.. આવી પવિત્ર પાત્રતા ક્યાં શોધવી???.
દક્ષેશ ઇનામદાર. "દિલ"..