ગુરુમાંનું ઋણ કેમ ભૂલાય ?
આજે સ્કૂલમાંથી ભણીને નીક્ળ્યાંને લગભગ ૪૫ વર્ષ વીતી ગયાં. છતાં સ્મૃતિમાં મને ભણાવી, જ્ઞાનદાન આપનાર મારી ગુરુમાં સમાન પૂ. છાયાબહેન છે. એમની નિશ્રામાં હું ગુજરાતી વિષય ભણેલો એ ઉંમરકાળમાં જ્ઞાન નહોતું એટલી સમજ નહોતી કે આજે હું આ જ્ઞાન પી રહ્યો છું એ મને આગળ જતાં કેટલું કામ આવશે. એમનાં જેવાંજ અન્ય વિષયનાં શિક્ષકો હતાં આજે એવાં શિક્ષકો કદાચ ગણ્યાં ગાંઠ્યા હશે જે નિઃસ્વાર્થ ફક્ત શિક્ષા અને જ્ઞાન ને સંચિત કરે. આજે શ્રાસ્ત્રોક્ત એક પ્રાર્થના એક શ્લોક હોઠે ચઢે છે.
“ગુરુબ્રહ્મા ગુરુવિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા
ગુરુ શાક્ષાત પરઃ બ્રહ્મા તસ્મઇ શ્રી ગુરુવે નમઃ”
પૂ. છાયાબેન ગુરુમાં (શિક્ષક) હતાં. કહેવાય છે કે બાળકની પ્રથમ શિક્ષક એને જન્મ આપનાર માં હોય છે પછી બાળકને વધુ શિક્ષણ આપવા એને નિશાળ મોકલવામાં આવે છે. માં ના હાથનાં ઉછેર નીચે સંસ્કાર સિંચન થાય છે પણ નિશાળમાં ગુરુમાં શિસ્ત અનુશાસન સાથે અમાપ જ્ઞાન પીરસે છે.
આજે એવાં પણ વિચાર આવે છે ક્યાં ગયાં એ દિવસો ? ક્યાં ગયાં એલોકો ? સમયકાળનાં ચક્રમાં બધાં વિલીન થઇ રહ્યાં છે. એ શિક્ષણનાં મૂલ્યો એ ભણાવવાની રીતભાત આજે યાદ આવે છે કે કોઈપણ ગદ્ય- પદ્ય-કવિતા કે પાઠ ભણાવતાં પહેલાં કવિ અને લેખક વિશેની વિસ્તૃત માહિતી આપતાં. કવિતાની રચનાં કેવી રીતે થઇ ? એની પાછળની સંવેદના સવિસ્તર સમજાવતાં પછી એ કવિતાની કડીઓ એનાં શબ્દો એનાં અર્થ એની ઊંડાણમાં રહેલી ગર્ભિત વાતો સમજાવતાં.
એ સમયે ભણવાની પદ્ધત્તિ એટલી રસપ્રદ હતી કે વર્ગમાં ભણતાં ભણતાં જ મનમાં અંકિત થઇ જતી યાદ રહી જતી એનાં ભાવાર્થ સમજીને ભાવવિહોર થઇ જતાં. યાદ છે હજીએ એ કવિતાઓ જેને ભણતાં ભણતાં એનો અર્થ અને વિચાર સમજાઈ જતાં લયબદ્ધ ગવાતી કવિતાઓ આજે પણ કંઠસ્ય છે. એમાં ખાસ ગુજારે જે શિરે તારે જગતનો નાથ જે...ઉગે છે સુરખી ભરી હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દીસતું એકે નથી વાદળી..., જનની જોડ સખી નહીં જડે રે લોલ..., મીરાંબાઈ અને નરસિંહ મહેતાનાં ભજનો..કવિ કલાપી.. રે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો...અરે કવિ કલાપીની કવિતાઓ ભણતાં પહેલાં એમની જીવનકથાની આખી જણાવતાં સમજાવતાં, કવિ બોટાદકર, ધૂમકેતુ બધાનું ચરિત્ર એવું કહેતા જાણે આપણે એમને જાણ્યે છીએ ઓળખીએ છીએ. આખો ક્લાસ એ સાંભળતાં સાંભળતાં લીન થતો અને એમની રચનાઓ હોઠે ચઢી જતી.
આ શિક્ષણ પદ્ધતિમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે એક આગવો સેતુ રચાતો અને તલ્લીન થઇ શિક્ષકોને સાંભળતાં ... જાણે વર્ણનોથી એક ચિત્રપટ રચાતું અને વિદ્યાર્થી એ શબ્દોની દિશામાં પાંખો ફેલાવીને ઉડતાં...પીરીયડ પૂરો થતાં અફસોસ થતો કાશ હજી સમય હોત વધું જાણવા મળત. ફરી ક્યારે પીરીયડ આવે એની રાહ જોતાં આ પરિસ્થિતિનું નિર્માણ એ શિક્ષકોએ કરેલું.
એમાંય ગુજરાતી વિષયનાં અમારા ગુરુ શિક્ષિકા છાયાબહેનનાં મોઢે ગુજરાતી સાહિત્ય અંગે લેખકો કવિઓ અંગે કહેવાતી અસ્ખલિત વાણી સાંભળવા આતુર રહેતાં.
આવી શિક્ષિકા અમારાં ગુરુમાં સમાન છાયાબહેનનું અમારાં ઉપર ઋણ છે એમનું શિક્ષણ અને સમજાવવાની પદ્ધતિએ આજે આટલાં વર્ષો પછી પણ અમારાં મનમાં યાદગીરીમાં અકબંધ છે. અમે ખુબ ભાગ્યશાળી છીએ કે ગુરુમાં છાયાબેનનાં હાથ નીચે ભણ્યાં તૈયાર થયાં છીએ. કવિતાઓનાં અર્થનું વિસ્તૃતિકરણ સાંભળવા અમે જે રીતે આતુર રહેતાં એમાં એમનો ફાળો અવિસ્મરણીય છે.
આજે જે કંઈ સાહિત્યની સમજ છે કે લગાવ છે એમાં પૂ. ગુરુમાં છાંયાબેનનાં આશીર્વાદ છે. જીવનની સંધ્યાએ આજે તેઓ ૯૦ વર્ષ ઉપરની ઉંમરે પણ ફોન પર વાત કરીએ તો અદમ્ય ઉત્સાહથી વાત કરે છે. તેઓ પણ એમનો શિક્ષણ પીરસવાનો કાળ ભૂલ્યા નથી આજે પણ નામ સાથે યાદ કરીને વાતો કરે છે. ફોન કર્યા બદલ ખુશ થઇ આશીર્વાદ આપે છે.
આજે જે કંઈ સાહિત્યની સેવા કરી રહ્યો છું એમાં એમનો ફાળો છે એમની શિક્ષા અને આશીર્વાદનું મારાં ઉપર ઋણ છે. જે હું કદી નહીં ઉતારી શકું.
ઈશ્વર ગુરુમાં સમાન છાયાબેહેનને દીર્ઘાયુ બક્ષે અને એમની તબિયત-સુખાકારી કાયમ સારી રાખે. ગુરુમાં છાયાબહેનને કોટી કોટી નમસ્કાર.🙏🙏🙏
દક્ષેશ ઇનામદાર
No comments:
Post a Comment
We thank you for your valuable feedback we will get back to you soon.
Note: Only a member of this blog may post a comment.