Followers

પંચતત્વની શ્રુષ્ટિ અને જીવન...


 પંચતત્વની શ્રુષ્ટિ અને જીવન...

ભાગ:૩

વનસ્પતિ સાથે માનવ અને દરેક જીવ યેનકેન પ્રકારેણ..જોડાયેલા જ હોય છે. વનસ્પતિની રચના એની વૃત્તિ એની ક્રિયાઓ આપણને કંઈક સંદેશ અને બોધ આપી જાય છે....

આપણામાં કેટલીક કહેવતો છે જેનો સારાંશ બોધ છે. એમાંથી કેટલીક આપની સામે અર્થ સહિત રજૂ કરું ..

૧. પીપળ પાન ખરંતા હંસતી કૂંપળીયા..અમ વીતી તુઝ વીતશે ધીરી બાપુડિયા.

પીપળનાં ઝાડનાં પાકટ થયેલા જૂના પાન જ્યારે ખરે છે ત્યારે નવી ફૂટતી કૂંપળો હસે છે..કૂંપળોને એમની સ્થિતિ પર હસતી જોઈ ખરતાં પાન કહે છે..આજે અમે જીવન જીવી આખરે ખરી રહ્યાં છીએ કાલે તમારો વારો છે..બોધ એ છે કે...દરેકના જીવનનું ચક્ર છે આજે જે ખીલે છે કાલે કરમાવાનું છે જ. જન્મે છે એ અંતે મરે જ છે એજ શ્રુષ્ટિનો નિયમ છે.

૨. ઊંચો ઉભો તાડ જુઓ પણ..શું કામનો?

અર્થ એ છે કે તાડનું ઝાડ એટલું ઊંચું કે આભ આંબીને ઉભું..પણ એની નીચે કોઈ ઉભું ના રહે..છાંયો જ નથી કોણ વિશ્રામ કરે? એની એટલી ઊંચાઈ શું કામની? તમે ખૂબ પ્રગતિ કરો પણ કોઈને કામ ના આવો કોઈને મદદ ના કરો તો એ ઊંચાઈ પ્રગતિ શું કામની?.

૩. મીઠાં ઝાડનાં ફળ ખવાય...મૂળ નહીં... એનો એટલો સરસ ઊંડો તલસ્પર્શી અર્થ છે...

તમે વૃક્ષનાં મીઠાં રસીલા ફળ ખાવ..વૃક્ષને ખૂબ ગમશે..પણ તમે એજ વૃક્ષનાં મૂળને તમારાં સ્વાર્થે નુકશાન પહોંચાડો તો વૃક્ષનું જ નિકંદન નીકળી જાય. બોધ એ છે કે કોઈની મદદથી તમારું ભલું થાય તમારાં પર ઉપકાર કરી લાગણીથી મદદ થાય એનું જ તમે બૂરું કરો... બોલો..સ્વાર્થ સાંધી લીધાં પછી એનેજ નુકશાન કરો..એની ભલમનસાઈનો દુરુપયોગ કરો...ત્યારે આ કહેવત બોલાય છે..

આવી અનેક કહેવતો છે.

વૃક્ષ વનસ્પતિ એમનાં થકી કોઈને કોઈ સંદેશ આપે છે...

જુઓ જ્યારે વૃક્ષ પર ખૂબ ફળ બેસે ત્યારે આખું વૃક્ષ ડાળીઓ સાથે લચી પડે છે ઝૂકી જાય છે...એ સંદેશ મળે છે કે જ્યારે તમને ખૂબ સુખ સમૃદ્ધિ સફળતા મળે તમે વિનમ્ર બનો. છકી જવાની જગ્યાએ સૌહાર્દપૂર્ણ વ્યવહાર કરો.....

વૃક્ષ છાંયો આપે છે ખૂબ ગરમી અને તેજ કિરણો પોતે ઓઢી લઈ આશરો લેનારને ઠંડક આપે, નિવાસ કરાવે, ફળ,ફૂલ, ઔષધ, લાકડા, ગુંદર, એમાંથી બનતાં દ્રવ્યો , રંગ રસાયણ, ઘર બનાવવાની સામગ્રી, મીઠાં રસ, ગુંદર, વળી પાણીનો જમીનમાં સંગ્રહ કરે. વૃક્ષો એટલું આપે છે જેનું માપ નથી. એટલું સમજાવે એટલું જ્ઞાન નથી..એટલેજ એમને સંત કીધાં છે..

વધુ આવતાં અંકમાં.

🌹🙏🌹

દક્ષેશ ઇનામદાર."દિલ"..

No comments:

Post a Comment

We thank you for your valuable feedback we will get back to you soon.

Note: Only a member of this blog may post a comment.