Followers

કુણું કોમળ દિલ મારું....

કુણું કોમળ દિલ મારું વાગી કાળજે ઘા કાળમીંઢ  પથ્થર બની ગયું.
ઉભરાતું સંવેદનાથી સદાય હૃદય મારું કારમી પીડામાં સરકી ગયું.

હોઠે આવેલાં બોલ પ્રેમનાં પાછાં ફરી ગયાં જાણે જીભ સિવાઈ ગઈ.
પીડા વિરહની આવું કરાવે? કે સંવેદનાની કદર આંસુમાં ધોવાઈ ગઈ.

સ્ફુરતાં શબ્દો સાથે મનમાં કેવી કલ્પનાઓ શણગાર વિનાની થઈ ગઇ.
કાવ્ય કવિતા વાર્તાની રસિક વાતો કઠોર વાસ્તવિકતામાં પલટાઈ ગઇ.

કોરી ખાતી કારમી વિરહની વેદના સમજણ વિનાની કારણ બની ગઈ.
કાયમ સાથ સાથ રહેવાની બન્નેની અચળ પ્રેમકામના હાસ્યાસ્પદ બની ગઈ. 

એક પળ નહીં વિતે "મારાં" વિના એવું કહેનારી પ્રિયતમા પારકી થઈ ગઈ. 
લાગણીથી ઉભરાતી આંખો સુકાઈને સૂકા રણમાં ફેરવાઈ ગઈ.

કોની લાગી કાળી નજર કે  દિલથી દિલ મળતું શાપિત બની ગયું.
પ્રેમનાં ઉમંગ અને ઉત્સાહથી ઉછળતું "દિલ" મારું મૃતપ્રાય થઈ ગયું.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

પકડી ફીરકી ફકીરીની મેં

પકડી ફીરકી ફકીરીની મેં, દોર જાય ઊંચે આભમાં.
ના ફીકર કોઈ દાવપેચની ભાર દોરીનો એવો વર્તાય.

પવન કેરે સફર પતંગની રંગ કેસરિયો સમાય ફકીરીમાં. 
અવકાશ કેરે સાથ નિભાવું કેવો આનંદે મન લહેરાય.

જન્મ લીધો જગમાં કેવા કેવા સારાનરસા જીવું અનુભવમાં.
કાપવા પેચ પતંગનો ઈર્ષાળુઓ ભલેને કાર્યરત થાય.

ઊંચી કરું ઉડાન આભની સમાઈ દ્રષ્ટિ સુંદર શ્રુષ્ટિમાં.
ના તાકું નિશાન નીચું ભલે મારી પંખ કેમ ના ઘવાય?
દક્ષેશ ઇનામદાર."દિલ"..

સૂરજની શાન કેવી મીઠી સવાર...

સૂરજની શાન કેવી મીઠી સવાર તેજપ્રકાશ પહોર ફાટતો.
ધગતો તેજતરાર દિવસ આખો સંધ્યા ટાણે આથમતો.

જતાં જતાં સંધ્યાને તું કેવી કેસરિયા રંગે રંગતો.
પ્રેમ પિપાસા ખુદની સંતોષી
રાતને તું બોલાવતો.

હે સંધ્યા તું જઇ રહી મીઠી
રાતને શીતળ બનાવતો.
કાળી અંધિયારી મીઠી શીતળ રાતમાં આળોટતો.

ચંદ્રમાને આપી તેજ તારું કેવો રાત્રીને નિખારાતો.
કવિને શબ્દ પ્રેમીને પ્રાણ હે નાથ તું શ્રુષ્ટિને શણગારતો.

મીઠી પ્રેમપ્રચુર રેશમી રાત ચાંદની ચકોરને બહેલાવતો.
"દિલ" પડ્યું તારાં પ્રેમમાં પ્રભુ તું મને સદાય આનંદમાં રાખતો.
દક્ષેશ ઇનામદાર. "દિલ"..

3 મિલિયન ડાઉનલોડ

 ll ગુરુમાઁ જરાતકારું વિજયતે ll

મારાં પ્રિય વાચકોને જણાવતાં દિલથી આનંદ થાય છે કે માતૃભારતીનાં ઉત્કૃષ્ટ મંચ ઉપર મારી નવલકથાઓ અને રચનાઓનું ડાઉનલોડ 3 મિલિયન વટાવી ગયું છે આ ઉચ્ચ શિખરે પહોંચાડવા બદલ મારાં વાંચકો, લેખકમિત્રો , માતૃભારતી મંચ અને ટીમનો ખૂબ ખૂબ આભારી છું. સદાય આપના સહકારની અપેક્ષા છે. આ સફળતા આપ સહુને સમર્પિત.🌹🙏🌹